ગુજરાતી આપણી ભાષા છે અને એ જ પુરેપુરી આવડે બીજાનું શીખીએ એના કરતા આપણું જ પરફૅક્ટ બોલીએ

ગુજરાતી આપણી ભાષા છે અને એ જ પુરેપુરી આવડે બીજાનું શીખીએ એના કરતા આપણું જ પરફૅક્ટ બોલીએ

જલસો : ગીતાબેન તમારી સંગીતની શરૂઆત કઈ રીતે થઈ હતી? તમારો સંગીતમાં રસ કેવી રીતે કેળવાયો?

ગીતાબેન રબારી : આમ તો મેં સંગીતની શરૂઆત 5માં ધોરણથી કરી હતી, સ્કૂલમાં 26જાન્યુઆરી હોય અથવા 15ઑગષ્ટ  હોય ત્યારે ગાવાનો મોકો મળતો. પછી ગામની નવરાત્રિમાં મોટા વડીલો ઓટલે બેસીને ગાય તેમની જોડે એક - બે વાર મોકો મળ્યો ત્યારથી ધીરે ધીરે શરૂઆત તો થઈ જ ગઈ હતી.

જલસો : તમે સંગીત કોની પાસેથી શીખ્યા?

ગીતાબેન રબારી : મેં ક્યારેય એવી કોઈ સંગીતની તાલીમ લીધી નથી , બધા કલાકારોને આમ ગાતા જોઈ અને સાંભળીને જ શીખી છું.

જલસો : તમારા ફેવરિટ કલાકાર કોણ છે?

ગીતાબેન રબારી : હું મારા મામાના ઘરે રહીને મોટી થઈ છું, મામા ના ગામમાં દિવાળીબેન આહિર નામે એક બહેન ગાતા જે મને બહુ ગમતું. મને કિર્તીદાન ભાઈ ગઢવી અને કચ્છીમાં દેવરાજ ગઢવી જેમના અવાજમાં ગીતો સંભાળવા ગમે છે.

જલસો  : કચ્છી લોકસંગીત એક રીતે થોડું અલગ તરી આવે છે,

જે જુદાપણું છે એ ભાષામાં કે લોકસંગીતમાં ક્યાંથી આવે છે? એના સંગીતમાંથી કે ત્યાંની માટી માંથી ?

ગીતાબેન રબારી : પહેલા તો કચ્છએ ગુજરાતનો મોટામાં મોટો વિસ્તાર છે , ત્યાંનું સંગીત થોડું સિંધી જેવું  છે, થોડું પાકિસ્તાનને લગતું અને થોડું રાજસ્થાનને લગતું છે.

જલસો : કચ્છના સંગીતમાં ત્યાંની  રહેણીકરણી  ત્યાંના લોકો ,ત્યાંની સંસ્કૃતિ બોલી એ બધું મોટા ભાગે વણાયેલું હોય છે, ત્યાંની રહેણીકરણી તો ગીતાબેન તમારા પોષાકમાં જોઈ જ શકીએ છીએ, તમને આ રીતે તૈયાર થવાનો ખરેખર શોખ છે કે કાર્યક્રમો પુરતા જ પહેરો છો ?

ગીતાબેન રબારી : હા, મને તો બહુ શોખ છે અને આ તો અમારા રબારીઓનો તો પહેરવેશ જ છે અને કચ્છની ઓળખાણ જ છે કે ત્યાં લોકો માથે ઓઢતા જ હોય છે.

 

જલસો : ગીતા બેન તમે ભણવામાં કેવા હતા ?

ગીતાબેન રબારી : બહુ ખાસ નહી , ગુજરાતી અને સામાજિક વિજ્ઞાન મારા ગમતા વિષયો હતા ,ગણિત મને જરાય નથી ગમતું ,અને અંગ્રેજી હું ક્યારેય શીખી નથી અને હવે શીખવું છે ત્યારે હવે અઘરું લાગે છે

જલસો : તમે અત્યાર સુધી વિદેશમાં કેટલા શૉ કરી ચુક્યા છો ? અને અંગ્રેજી ક્યાંય ના આવડ્યું હોય કે એવું કંઈ ?

ગીતાબેન રબારી : હમણાં સાઉથઆફ્રિકા ગયા હતા અને હવે અગાઉનો કાર્યક્રમ ઓસ્ટ્રેલિયામાં છે, ક્યારેક એરપોર્ટ પર એવું લાગે કે અંગ્રેજી જરૂરી છે, પણ બીજી બાજુ એવું થાય કે ગુજરાતી આપણી ભાષા છે અને એ જ પુરેપુરી આવડે બીજાનું શીખીએ એના કરતા આપણું જ પરફૅક્ટ બોલીએ

જલસો : ગીતાબેન એ એક વાત બહુ જ સારી રીતે કરી જે અમે કરીએ છીએ "જલસો" પરથી કરીએ છીએ આપણી ભાષાને આપણી પાસે રાખીએ, ભલે બીજી ભાષાને આપનાવીએ  પણ મૂળ ભાષાને આપણી પાસે રાખીએ, ખૂબ ખૂબ ધન્યવાદ.

Social Media

Popular post's

Subscribe

tag's

Recent posts's