FROM THE EDITOR'S DESK - JALSO NA GARBA

FROM THE EDITOR'S DESK - JALSO NA GARBA

Editor’s Pick – Jalso Na Garba

કેમ છો ?

કેવી ચાલે છે નવરાત્રિની તૈયારીઓ ? દરેક ગુજરાતીની પહેલી પૂછપરછ અત્યારે આ જ હોઈ શકે.(આમતો તહેવારો સાથે આ પ્રશ્નમાં માત્ર તહેવારનું નામ જ બદલાય, પૂછપરછ નહિ.પૂછતાં નર પંડિત થાય એ વાતને ગુજરાતીઓથી વધારે કોણ જાણે ?) ગુજરાતી, વરસના આ દસ દિવસો દરમિયાન સૌથી વધુ ગુજરાતી હોય છે. આપણી ભાષાના સદાબહાર ગીતો/ગરબા ગણગણશે, તેના પર ઝૂમશે, ગુજરાતી વાઘા પહેરશે, ટ્રેડીશન અને ટ્રેન્ડને સાથે રાખીને ગુજરાતીપણા સાથે connected રહેશે. ભાદરવાના તડકા ઓળંગીને આસોના આ દૈદિપ્યમાન દિવસો ગુજરાતીઓને સોળે કળાએ અને નખશિખ કલાકાર બનાવે છે અને દરેક ગુજરાતી આપણી ભાષાના શરણમાં પહોંચી મનમોહક, લચકાળી અને લટકાળી અંગ ભંગિમા અને મુદ્રાઓ સાથે મન મૂકીને નાચશે – એટલે કે ગરબા ગાશે. આ તહેવાર જ એવો છે.પગની પાનીને મનગમતી ઠેસ આપે છે તો હથેળીને ગમતીલો હાથ, કમરને લચક આપે છે તો ગણગણવા ગમે તેવા શબ્દોને હલક, કંઠને કામણ આપે છે, આંખોને રંગીન આંજણ આપે છે અને સપનાઓને પીંજણ. નવરાત્રિના મેદાને હજારો ભેગા થાય છે અને હવે તો સેંકડો આ જ મેદાનના કારણે છૂટા પણ પડી જાય છે.એક સામાન્ય ગુજરાતીના મનમાં આ તહેવારની કંઇક અલગ જ ચમક છે. આ દિવસોની આભા, આસોના અજવાળાનું નૂર, કોઈ અજબ અદાથી આપણને ઘેરે છે.સાવ સીધો સાદો સુંવાળો માણસ પણ આ રોશનીના તોફાને ચડીને કાંતો બહાર કોઈ ક્ષણિક ઉષ્મા શોધે છે કાં અંદર કોઈ ગેબી ઉર્જા.બંને કિસ્સામાં હૃદય એક ધબકારો તો ચૂકી જ જાય છે. ગજબ સામર્થ્ય છે આ તહેવારનું. સાચું કહું તો અનુભવોનો ખેલ છે આ તહેવાર. આર્થિક, ભૌતિક, શારીરિક,  શૃંગારિક, માનસિક, અધ્યાત્મિક – જેવા તમે એવો તમારો અનુભવ. આ તહેવારનો મારો અનુભવ અત્યંત સાંગીતિક છે. પ્યોર મ્યુસીક્લ. જૂના-નવા, સાંભળેલા-નાં સાંભળેલા, જાણ્યા-અજાણ્યા, પારમ્પરિક-સુગમ, ગરબા કે પછી રાસ, હીંચ વિ. બધું જ મને સંગીતની કોઈ અણદીઠ ભોમકા પર લઇ જાય છે. મારી તીવ્રતમ લાગણીઓ આ ગરબાઓના રાગ, ઢાળ ઉપર થઈને બહાર આવી છે અને બંધ આંખોની મુલાયમ પ્રીત થઈને કે ખુલેલા હોઠનું મનમોહક સ્મિત થઈને તાળી, ચપટી કે ઠેસમાં લય બધ્ધ વહી છે. મને ગમતાં-સમજાતાં અને આજે મારું મનગમતું કામ બની ગયેલા ગુજરાતી સંગીતના પહેલા પહેલા તંતુઓ મને આ તહેવારે જ આપ્યા છે, એટલે જ કદાચ દર નવરાત્રિએ હું આ જ તંતુને સાધી નવા છેડા પકડવાની કોશિષ કરતો રહું છું. ગરબા ગાવાની-ગાવાની-સાંભળવાની આ ભવ્ય પરંપરાનો એક તાર આ વર્ષે અમે જલસોમાં રણઝણાવવાની કોશિષ કરી છે, ૧૨ નવા નક્કોર ગરબા પ્રસ્તુત કરીને, “જલસો નવરાત” ના નામે.

થયું એવું કે દર નવરાત્રિની જેમ આ નવરાત્રિએ પણ કંઇક નવું કરવાની ઈચ્છા જાગી. એટલે બીજું કંઈ કરવા કરતાં નવા ગરબા તૈયાર કરીએ તો એનાં જેવું બીજું કંઈ નહિ એમ વિચારી થોડાંક જૂના, ગમતીલા, નવાં, ઊગતાં સ્વરકારોને આમંત્રણ આપવાનું વિચાર્યું. જો એક આમ ગુજરાતી આ દિવસો દરમિયાન પોતાની ભાષાની થોડો વધારે નજીક આવતો હોય તો અમે આ દિવસોમાં કેવી રીતે મૌન રહી શકીએ ?! ગુજરાતી સંગીત અને સાહિત્યની મમત લઈને બેઠા હોઈએ ત્યારે અમારી માટે તો નવરાત્રિ એ થોડો વધારે પોતીકો અવસર બને.એટલે જ ગુજરાતીપણાને થોડું વધારે પોખવા અમે તૈયાર કરાવ્યા બાર નવા નક્કોર ગરબા, જેમાં છે પરંપરાની મહેક અને આધુનિકતાની ઓળખ. એવા બાર ગરબા જેમાં ગરબાની મૂળ શરૂઆતનો મહિમા છે, શક્તિની ઉપાસના છે અને ગરબાનો અર્વાચીન લય અને અવાજ. એક મિત્ર સાથે આ concept અર્થે ચર્ચા કરીતો એણે કહ્યું કે “એટલે તમે ગરબાના નામે ગરબા જ બનાવશો એમ ને ?!” આ કટાક્ષ જેને સમજાશે એના ચહેરા પર પણ એવું જ સ્મિત આવશે જેવું મારા ચહેરા પર આવ્યું હતું આ સાંભળીને. ગરબાના નામે આજે લગભગ બધું જ થાય છે, but ગરબા !, ઇંગ્લીશમાં કહે છે તેમ. અમારા મનમાં પણ એ જ હતું કે એવા ગરબા બનાવીએ કે જેમાં મૂળભૂત રૂપે માંની આરાધનાનો મહિમા હોય. શક્તિ ઉપાસનાનું કંકુ હોય. જે સાંભળીને મનમાં દીવો પ્રગટ્યો હોય એવો પ્રકાશ થાય. ટૂંકમાં ટ્રેડીશનલ હોય અને સાઉન્ડમાં contemporary હોય. બસ પછી શરુ થયું મહા ભયાનક કામ – coordination, communication, mails, follow ups, scratch, suggestions,  execution and promotion. આવા સાવ નવા, તરોતાજા ગરબા અમારા આમંત્રણને માન આપી તૈયાર કર્યા છે ગુજરાતના પ્રસિધ્ધ અને ઉભરતા સ્વરકારોએ જેવા કે શૌનક પંડયા, રિષભ મહેતા, પ્રહર વોરા, જતિન-પ્રતિક, અદિતિ ઠાકોર, પાર્થ ઠક્કર, હાર્દિક દવે, દિવીજ નાયક, પાર્થ દોશી. તો ગાયા છે પ્રફુલ્લ દવે, ગાર્ગી વોરા, ભરતદાન ગઢવી, અમન લેખડિયા, હિમાલી વ્યાસ નાયક, ઐશ્વર્યા મજમુદાર, આદિત્ય ગઢવી, સુપર્ણા બેનર્જી,અર્પિતા જયચાન્દાની જેવા હોનહાર કલાકારોએ.ગરબાના શબ્દોનો રંગ ઘૂંટાયો છે તુષાર શુક્લ, તેજસ દવે, ચિંતન નાયક, જુઈ પાર્થ, ભૂપેન્દ્ર શાસ્ત્રી, જેવા કવિઓ- ગીતકારોની કલમથી.બેએક ગરબા મેં પણ લખ્યા છે.

દરેક ગરબાનો અલગ રંગ છે, સૂર છે.પ્રખ્યાત કવિ-ગીતકાર શ્રી તુષાર શુક્લએ લખેલો “હે માં શક્તિ સ્વરૂપા” ગરબો કોઈ પણ ગરબાના કાર્યક્રમનું પ્રથમ ચરણ બની શકે એટલો ભક્તિભાવ સભર છે.અવિનાશ ભાઈનાં સુવિખ્યાત સ્વરાંકન “માડી તારું કંકુ ખર્યું” પછી ગુજરાતી ભાષાને મળેલી આ એક અનન્ય અને અનુપમ તથા બળકટ શક્તિ સ્તુતિ છે જે પ્રહર વોરાના સ્વરાંકન અને સ્વરમાં ઔર દૈદિપ્યમાન ભાસે છે. ગરબો અહિ સાંભળો.Loading image...

http://www.jalsomusic.com/share.aspx?sid=11325&title=He%20Maa%20Shakti%20Swaroopa

એટલા જ ઉમદા કવિ રિષભ મહેતાએ લખેલી અને સ્વરબદ્ધ કરેલી રચના “માં મનના મંદિરીયે પધારો” પણ રાગ મહેતાના કંઠમાં પરમ શક્તિની થોડી વધુ પાસે લઇ જાય છે. ગરબો અહિ સાંભળો.

ગુજરાતી ફિલ્મોની જાણીતી સ્વરકાર બેલડી જતિન-પ્રતિક નું “અંબા રમો જગદંબા રમો” હોય કે રાજકોટના ઉભરતા યુવાનોના બેન્ડ રાજકોટ બ્લ્યુસએ રચેલો ગરબો “રમે રંગે આનંદે” હોય, કે પછી ઉત્તર ગુજરાતનો લોકપ્રિય અવાજ અને અંદાજ, રણકાર-ઝણકાર,તાલ-લય સમાવતો અને જાણીતા લોક ગાયિકા અભિતા પટેલે ગયેલો ગરબો “માં તારા ખોળામાં સુખની છાયા” હોય, દરેક રીતે દરેક પ્રકારે આ ગરબાઓ તમને અદભૂત, અજબ, અનુપા માં મહિષાસુરમર્દિની ની સમીપે ખેંચી જશે.

આ બધા ગરબામાં સૌરાષ્ટ્ર, કચ્છની ધરાની મહેક આપતો એક ગરબો નોખો તરી આવે છે જેને હાર્દિક દવે સાથે મળીને સ્વર બધ્ધ કર્યો છે, લખ્યો છે અને ગાયો છે ભરતદાન ગઢવીએ અને આ ગરબામાં અત્યંત લોકપ્રિય સ્વર ભળ્યો છે જાણીતા લોકગાયક શ્રી પ્રફુલ્લ દવેનો. ખૂબ સ્પર્શી જાય એવા આ ગરબા સાથે જાણે અમે આ વિચાર તરીકે એક પગથિયું ઔર ચઢી ગયા છીએ. ગરબામાં સિતારનો ઉપયોગ આ સ્વર રચનાને ઔર પ્રભાવક અને અસરકારક બનાવે છે. થોડીક લાઉન્જીશ ફીલ આવશે જ્યારે આ ગરબામાં સિતાર આવશે. આંખ આપોઆપ બંધ થઈને કોઈક ઉજ્જવળ, ધવલ કપાળના કંકુનાં ખરતા કણને ઝીલવા માટે ખોબો ધરશે. લોક્ઢાળનો આ ગરબો સ્કીપ કરી શકાય એમ નથી.સાંભળો.Loading image...

http://www.jalsomusic.com/share.aspx?sid=11327&title=Gabbar%20Gokhe%20Thi%20Aaviyu

કેટલાક યુગલ ગરબા પણ છે – બધી જ રીતે યુગલ. સ્વર-સ્વરાંકનમાં, કંઠ-કામણમાં, અવાજ-અંદાજમાં, અવસર-અસરમાં પણ.હિમાલી વ્યાસ નાયકે ગાયેલો ગરબો “મોરલીના મૂક માધવા”માં તમને તમારો માધો કે તમારી રાધા યાદ આવે એવું બને.ગીતકાર-સ્વરકાર અદિતિ ઠાકોરનો ગરબો “કોયલડીએ કાનમાં કીધું” મધુરતાની એટલો નજીક છે કે કોઈક ગમતું ગળું યાદ આવશે જ. પણ જેમનો સ્વરકાર તરીકેનો પહેલો સૂર જલસોમાં છેડાયો અને ઝીલાયો છે એવા ઊભરતા કલાકાર પાર્થ દોશી એ ગયેલો અને રચેલો ગરબો “ગરબે ઘૂમીશું” ધીમે ધીમે તમને ચોક્કસથી તેના સૂરોના કુંડાળામાં ખેંચી લેશે અને ત્યાંજ તમને સંભળાશે ઐશ્વર્યા મજ્મુદારનો લોકપ્રિય અવાજ. કોઈ ગમતીલી લચક પર ઢળી ગયેલી નજરનો ગરબો છે શૌનક પંડયા એ રચેલો ગરબો “ઘમ્મર ઘમ ઘમ” અમન લેખડિયાએ બખૂબી એ લાગણીને અવાજમાં વહેતી કરી છે.રમતિયાળ ગરબા છે આ બધા જ. નવરાત્રિનો તોફાની અંદાજ આ ગરબાઓમાં તમારી ધોરી નસ પકડશે.

 “ગરબે ઘૂમીશું” https://www.youtube.com/watch?v=mGGc109oY1g

“ઘમ્મર ઘમ ઘમ” https://www.youtube.com/watch?v=d97q0dL8qKQ

એક ગરબો જલસોનો પોતાનો પણ છે જેને મેં લખ્યો અને સ્વર બધ્ધ કર્યો છે અને સ્વર રચનાઓ હર્ષ ભટ્ટ અને પિનાક ત્રિવેદીની છે. આ ગરબા વિષે ઘણું કહી શકાય એમ છે એટલે મેં કીધું પણ છે મારી FB profile પર. અહિ તેની link share કરું છું .જાણવામાં રસ પડે તો ત્યાં જઈને વાંચી શકો.

https://www.facebook.com/naishadh.purani/posts/10214543410556542

ગરબો અહિ સાંભળો.

http://www.jalsomusic.com/share.aspx?sid=11321&title=Ajwali%20Raato

અને એક ધમાકે દાર ડાકલા ટાઈપ ગરબો એટલે જાણીતા composer પાર્થ ભારત ઠક્કરે બનાવેલો ગરબો “મેહુલો”. આ ગરબો સાંભળીને તમને આખી નવરાત્રિની મજા એક સાથે પડી જાશે એની ગેરેન્ટી.સાંભળો.

https://www.youtube.com/watch?v=IK5Nht1Sjds

આ ગરબાઓ જલસો કે જે એક મ્યુસિક એપ્લીકેશન છે તેના ઉપર આવી ચૂક્યા છે અને દિનબદિન લોકપ્રિય થઇ રહ્યા છે.

આ બધા જ ગરબા તમે જલસો ઉપર આસાનીથી સાંભળી શકો છો.

http://www.jalsomusic.com/share.aspx?sid=3049&title=Jalso%2520Na%2520Garba

આધુનિકતાની પળોજણમાં અટવાતો ગરબો જ્યારે તેનું અસલ રૂપ, સ્વરૂપ, રંગ અને લય ગુમાવતો જાય છે ત્યારે મૂળ તાલ, લય અને તત્વને જાળવીને તૈયાર થયેલા આ ગરબા એ ગુજરાતીઓને પોતાના ગર્ભ તરફ થોડા વધારે વાળશે જ એમાં શંકાને સ્થાન નથી. કારણકે ગુજરાતીપણું કઈ આખા વરસમાં દસ દિવસનું મોહતાજ નથી !  શું કહો છો ?

 

ખાસ નોંધ:

આ સાથે આ ગરબાઓ સાંભળતા સાંભળતા કે રમતા રમતા રૂપીયા પણ રળી શકાય એવો એક નુસખો પણ રજૂ કર્યો છે. રસ પડે કે નાં પડે એક વાર જરૂરથી આ લીંક જોઈ/ચેક કરી લો. તમારો નહીતો કોઈક બીજાનો ઉધ્ધાર થશે અને તમે કહેશો કે “જલસોના ગરબા જેવા અમને ફળ્યા એવા સૌને ફળે”

https://www.facebook.com/JalsoMusic/photos/a.1301034276659116/1900880633341141/?type=3&theater

અથવા

https://www.facebook.com/JalsoMusic/videos/331747170894443/

 

વ્હાલ

નૈષધ પુરાણી.

 

 

Social Media

Popular post's

Subscribe

tag's

Recent posts's