From the Editor's desk: છોગાળા મારા copy ના કરો ઓ વ્હાલા!

From the Editor's desk: છોગાળા મારા copy ના કરો ઓ વ્હાલા!

Hi, કેમ છો ?

વરસાદ એના વાદળ અને વાવડ સંકેલી રહ્યો છે અને ધીમે રહીને શ્રાધ્ધના આકરા તડકાનો સમય સરકીને નજીક આવી રહ્યો છે.અધિક માસના કારણે આ વખતે બધા જ તહેવારો જરાક આઘા ખાસી ગયા છે.ઓગસ્ટ એ તહેવારોની મોસમ છે અને સપ્ટેમ્બર એ તરવરાટની.એક બાજુ વરસાદ પાછલા પગે હોય છે તો બીજી બાજુ તેના પાછલા પગની પાનીથી સરકીને ઉતરેલી ઝાંઝરનો લીલો છમ્મ રણકો ચારે બાજુ પથરાઈ ગયો હોય છે. ખુશમિજાજી એ આ દિવસોની ખૂબી છે. તન મન ભીજાયેલા અને તરબતર હોય છે છેક અંદર મહેકી ઉઠેલી માટીની ખૂશ્બોથી.આવી ખુશનુમા મોસમના વાદળોમાથી ચળાઈને આવતા તડકાને આંગળીઓમાં ભરી, અંદરના તરવરાટને અક્ષરોમાં ઉતારવો છે.બધે જ હરિયાળી ફૂટી નીકળી છે ત્યારે અંદર ફૂટેલી કૂંપળને આ કાગળની માટીમાં રોપું છુ, એ આશાએ કે લીલું-ગુલાબી-રાતું-પીળું-પાતળું-આછું-ઘાટું-ઘેરુ કંઇક તો ઉગી નીકળશે જ.

મનભરીને વરસી ગયેલા અને કદાચ એટલીજ અદભૂત રીતે ઝીલાઈ ગયેલા વાદળ પછી નક્કર જમીન પર રહી જતા હોય છે કેટલાક ખાબોચિયા અને પછીથી તેમાંથી કેટલાક તોફાનીઓ જાણી જોઇને પસાર થઈને છાંટા ઉડાડે એવું જ કંઇક આ વખતે ઓછા વરસેલા વરસાદમાં પણ બન્યું.થોડું simplify કરીને કહું ? ગુજરાતી સંગીત/ફિલ્મ સંગીતનું ધરખમ લોકપ્રિય અને iconic song “રંગલો, જામ્યો કાલિંદીને ઘાટ” “છોગાળા તારા”ના નામે ગાજ્યું અને ખાસ્સું જાણીતું થયું (હવે સમજાયું ? ના સમજાયું હોય તો હજી એક વાર ઉપરની લીટીઓ ફરી એક વખત વાંચી જાવ.).વખણાયું અને વખોડાયું પણ.યુવાનો તરત જ જોડાઈ ગયા આ ગીત સાથે અને ઝીલી લીધું.નવી રીતે પેકેજ થયેલું આ જૂનું ગીત ગમે એવું તો છે જ પણ એમાં ના ગમે એવું એ હતું કે ફિલ્મના મેકર્સે આ ગીત જ્યાંથી ઉછીનું લીધું હતું તે આ ગીતના મૂળ રચનાકારો અને ગુજરાતી સંગીતના આદ્ય પુરુષો જેવા પૂજનીય નામોનું નામ જ નાં લીધું.ગીતની primary creditsમાં તો ક્યાંય ઉલ્લેખ જ નહિ અને તેની પ્રક્રિયામાં જોડાયેલા જાણકાર કલાકારોએ પણ શી ખબર રોક્યા કે ટોક્યા નહિ, તે છેક થોડા સજાગ પત્રકારોએ અને કલાકારોએ કાન આમળ્યો અને ચારે બાજુ થૂ થૂ થઇ એટલે પછી તરત જ આ મહા ભયાનક ભૂલ સુધારી લેવામાં આવી.છેવટે ઘીના ઠામમાં ઘી પડી ગયું પણ આ આખી વાતના મૂળમાં ઉતરવાનું અમને મન થયું.ગુજરાતી સંગીતની મમત લઈને બેઠા હોઈએ ત્યારે ગુજરાતી ગીતોની આવા કોપી-પેસ્ટ/પ્રેરણા/ચોરી/ઈન્સ્પાયરડ versions ફંફોસવાનું અમે નક્કી કર્યું.

પહેલું કામ એ કર્યું કે રંગલો જામ્યો એ મૂળભૂત રીતે “સોનબાઈની ચૂંદડી” ફિલ્મ માટે ગુજરાતી સંગીતના મહા પુરુષ પરમ આદરણીય સ્વરકાર, ગીતકાર સ્વ.શ્રી અવિનાશ વ્યાસે સ્વર બધ્ધ કરેલા અને આશા ભોસલે અને આશિત દેસાઈ એ ગયેલા આ મહાન ગરબા/ગીતના દરેક versions અમે “છોગાળા તારા” ના નામે appમાં આ મૂકી.

Loading image...

(નોંધ: આ બધા જ original ગીતો સાંભળવા માટે જલસો application download કરો. નહિ તો, નીચેની original songsની links access નહિ થઈ શકે.)

છોગાળા તારા. મૂળ સ્વરકાર - કવિ સ્વ. શ્રી અવિનાશ વ્યાસ., ગાયક શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય સાંભળો અહીંયા 

“છોગાળા તારા”ના નામે ચાલેલું, અને આપણે જેને “હે રંગલો જામ્યો ..” તરીકે ઓળખીએ છીએ તે મૂળ ગીત

એ દરમ્યાન અમને ખબર પડી કે આ જ ફિલ્મનું બીજું ગીત “અંખ લડ જાવે” એ પણ “મોગલ આવે” લોક પદની બેઠી નકલ છે સહેજસાજ ફેરફાર સાથે. સાંભળો અહીંયા.

અને પછી શરુ થઇ ગયું અમારું search operation.

રંગલોની તર્જ ઉપર પહેલું જ ગીત જે સૂઝી આવ્યું એ ગીત અમિતાભ બચ્ચન, રેખા, અમજદ ખાન અભિનીત ફિલ્મ સુહાગનું. “હેં નામ રે સબસે બડા તેરા નામ ઓ શેરો વાલી...” ગાયકો – મહોમ્મદ રફી અને આશા ભોસલે.સંગીતકાર – લક્ષ્મીકાંત પ્યારેલાલ

દૂરદર્શન ઉપર ચિત્રહારના સમય માં આ ગીત દર નવરાત્રિએ કે આડે દાહ્ડે પણ વારંવાર આવતું ત્યારે પપ્પા મૂળ ગીતને અચૂક યાદ કરતા. છોગાળા તો આ સદીનું version છે. મારા ઘરનું બાળક આ original ગીત સાંભળીને કહે છે,”આ તો છોગાળા તારાની કોપી કરે છે.” અને હું એને જોતો રહું છું.

બીજું એક એટલું જ લોકપ્રિય ગીત – અનહદ લોકપ્રિય – ક્યારેક તો એમ થાય કે જો ગુજરાતીઓને આ ગીત ના મળ્યું હોત તો બિચારા ગુજરાતી સંગીત પ્રસ્તુત કરતા કલાકારોનું શું થતું. પણ તેના શબ્દો, તેના સ્વરાંકનને કારણે તેની ઉપસ્થિતિ, એ દરબારમાં રાજા જેવી છે.પેઢીઓની પેઢીઓએ આ ગીત ગાઈને પોતાનો પ્રેમ વ્યકત કર્યો છે. એ ગીત એટલે વેણીભાઈ પુરોહિતે લખેલું, અજીત મર્ચન્ટે સ્વરબધ્ધ કરેલું અને સ્વ. દિલીપ ધોળકિયાએ ગાયેલું અમારા ગીત “તારી આંખનો અફીણી”.

Loading image...

 

ગુજરાતી સંગીતનાં આ શિરમોર ગીતની ધૂનનો પણ હિન્દી અનુવાદ થઇ ચૂક્યો છે. હિન્દી ફિલ્મ નયા સંસાર (૧૯૫૯), સ્વરકાર – ચિત્રગુપ્ત, ગાયક – લતા મંગેશકર. સાંભળો અહીંયા 

એ જ ગીતનું, એવું જ બીજું રૂપાંતર ૧૯૬૧માં આવેલી ફિલ્મ ‘સપેરા’માં થયું. અહિ ગાયકો હતા મન્ના ડે અને સુમન કલ્યાણપુર, અને સંગીતકાર તરીકે અજીત મર્ચન્ટ પોતે. સાંભળો અહીંયા

આ બંને અથવા તો ત્રણેય ગીતો આમતો એક બીજાથી બે ચાર વરસના અંતરાલે જ આવ્યા છે અને ત્રણેય ગીતો મીઠાશથી ભરપૂર છે. ત્રણેય ગીતો એક બીજાના પડછાયા વગર પણ સાંભળવા ગમે એટલા સુમધુર છે. વળી ફિલ્મ નયા સંસારના સ્વરકાર ચિત્રગુપ્ત સાથે આપણા ખૂબ સજ્જ સ્વરકાર દિલીપ ધોળકિયાની મિત્રતા પણ જાણીતી છે (તેઓ તેમની સાથે સહાયક સંગીત નિર્દેશક તરીકે કામ કરતા હતા. સાથે એસ.એન.ત્રિપાઠી સાથે પણ તેમણે કામ કરેલું છે.) એટલે એ રીતે પણ આ ગીત ત્યાં પહોન્ચ્યું હોઈ શકે.બીજી ફિલ્મ સપેરા તો વળી અજિતભાઈએ પોતે જ સ્વરબધ્ધ કરી હતી એટલે પોતાની જ મૂળ કૃતિને એ વર્ગ સુધી પહોંચાડવાની લાલચ કદાચ ખાળી શક્યા નાં હોયએ સ્વાભાવિક છે.

એવી જ એક બીજી ફિલ્મ ખમ્મા મારા વીરા અને ગીત એટલે ઉષા મંગેશકરનું ખૂબ જાણીતું ગીત “પૂનમની પ્યારી પ્યારી રાત”. સ્વરકાર – સી.અર્જુન અને ગીતકાર કેશવ રાઠોડ.  

આ જ ગીતની લગભગ અનુવાદ સમી પંક્તિઓ સાથે ઉષાબહેને હિન્દીમાં પણ ગાયું. ફિલ્મ-રક્ષાબંધન, દિગ્દર્શક-શાંતિલાલ સોની અને અહિ પણ સંગીતકાર સી.અર્જુન જ.(આ ફિલ્મમાં કલાકાર તરીકે મહેશ ભટ્ટનું પણ નામ છે. તે જાણીતા દિગ્દર્શક મહેશ ભટ્ટ?) સાંભળો એ હિંદી રૂપાંતર

અન્ય એક ખૂબ જાણીતું લોકગીત – “સવા બશેરનું મારું દાતરડું લોલ”. લોકગીતોનાં ચાહકો માટે આ ગીત અજાણ્યું નાં જ હોય તો તેની જ તર્જ પર બનેલું આ ગીત ફિલ્મ ક્રાંતિવીરના ચાહકો માટે પણ અજાણ્યું નહિ જ હોય.

અને ફિલ્મ ક્રાંતિવીર માટે પણ પ્રફુલ દવે અને સપના અવસ્થી. દિગ્દર્શક – મેહુલ કુમાર. સાંભળો અહિંયા

છે ને મજાનું? એવી જ એક બીજી મજાની વાત જુઓ. હિન્દી ફિલ્મોના મેધાવી અને અતિ જાણીતા સ્વરકાર સલિલ ચૌધરીની એક માત્ર ગુજરાતી ફિલ્મ એટલે ૧૯૮૧મા આવેલી ફિલ્મ ‘ઘર સંસાર’. તેમાં તેમણે સ્વરબધ્ધ કરેલું એક ગીત, ગુજરાતી સિવાય મલયાલમ અને બંગાળી ભાષામાં પણ રૂપાંતરિત થયું હતું. તે ગીત એટલે મૂળ ગુજરાતી ફિલ્મમાં પ્રફુલ દવે એ ગાયેલું ગીત “એ હાલો રે હંસા મારા”. મલયાલમમાં સાંભળો અહીંયા, બંગાળીમાં સાંભળો અહીંયા

એમ તો મીરાબાઇના પદ “પગ ઘૂંઘરું બંધ મીરા નાચી” ના મૂળ પણ ગુજરાતી સંગીતમાં મળે છે. એવીજ બીજી એક પ્રાર્થના હિન્દી ફિલ્મના રસિયાઓ માટે નવી નહિ હોય, જે કદાચ પહેલી વાર મૂળ ફિલ્મ “હાતિમતાઈ” માં વરસ ૧૯૫૬માં આવી હતી જેના સ્વરકાર હતા એસ.એન.ત્રિપાઠી.ખૂબ લોકપ્રિય આ પ્રાર્થના સાંભળો અહીંયા.

હવે એનું ગુજરાતી version સાંભળો. કવિ રમેશ ગુપ્તા, સ્વરકાર-કેરસી મિસ્ત્રી, કંઠ-તલત મહેમૂદ.

ગુજરાતી સુગમસંગીતનું અન્ય એક અતિ લોકપ્રિય ગીત “દિવસો જુદાઈના જાય છે” તો તમે ચોક્કસ સાંભળ્યું હશે.અને જૂના હિન્દી ફિલ્મી ગીતોના જો ચાહક રહ્યા હશો તો તમને તલત મહેમૂદે ગાયેલું ગીત “યે હવા યે રાત યે ચાંદની” પણ તમે સાંભળ્યું જ હશે. હવે આ બંને ગીતોને એક સાથે સાંભળી જજો. બંનેની ઝાંય એકબીજામાં મળશે.

મૂળ ગીત સાંભળો અહીંયા અને તેનું હિંદી version “યે હવા યે રાત યે ચાંદની”. ફિલ્મ-સંગદિલ, સ્વરકાર-સજ્જાદ હુસેન.

ખેર, જલસો પર આ બધા જ ગીતો તમને મૂળભૂત રીતે સાંભળવા મળશે જ સાથે એક જ ગીતને અનેક કંઠોએ ઉજવ્યું હોય એ રણકાર પણ સાંભળવા મળશે. દરેક મહિનાના અંતે અમે અમારી એપ માં Editor’s Pick નું special આલ્બમ તૈયાર કરીએ છીએ. સપ્ટેમ્બર મહિનાના આ વખતના આલ્બમમાં અમે ઉપર કીધેલા બધા જ ગીતો એકસામટા ભેગા કરીને મૂક્યા છે.

સાથે સપ્ટેમ્બર મહિનામાં આવતા કેટલાક મહાનતમ કલાકારોના જન્મ દિવસને/પુન્યતિથીને યાદ કરીને તેમના ગીતો પણ સમાવ્યા છે.આ મહીને લતા મંગેશકર, આશા ભોસલે, મહેન્દ્ર કપૂર જેવા કલાકારોના જન્મ દિવસ છે.ગુજરાતી સંગીતમાં તેમનું પ્રદાન અનન્ય છે.તો હરીન્દ્ર દવે જેવા કવિ અને દિલીપ ધોળકિયા જેવા અદકેરા સ્વરકારોને પણ આ મહીને યાદ કરવા પડે જ.તે સૌને તેમના કેટલાક લોકપ્રિય સ્વરાંકનો અને ગીતો સાથે યાદ કર્યા છે. સાંભળશો. તમને ગમશે જ. 

તો ભાઈ, આવું છે ! ગીતો પોતાની ભાષા અને ભાષાની મધુરતા સાથે વિશ્વના કોઈ પણ ખૂણે પ્રવાસ કરે તો તેની સફરનો આનંદ જ હોય. એણે બીજી કોઈ પણ ભાષામાં સાંભળીને પોતાની માટીની મહેક યાદ આવે જ.તકલીફ માત્ર ત્યારે થાય જ્યારે આ માટીમાં મૂળભૂત ખેડાણ કરનારા એ ભાષાપુત્રોનો યત્ન અને સજ્જતા ભૂલાઈ જાય અને તેનું માર્કેટિંગ કરનારાના જ માત્ર ગુણ ગવાય. જો કે આવું સમજવાની જવાબદારી સૌ ગુજરાતીની છે, શું કહો છો?! 

વ્હાલ :)

નૈષધ

Social Media

Popular post's

Subscribe

tag's

Recent posts's