જલસો : તમારી સંગીતની શરૂઆત ક્યાંથી થઈ?
અભિતા: હું સ્કૂલમાં પ્રાથના ગાતી, ફેમેલીમાં કોઈ આ ગાયનના ફિલ્ડમાં નહીં, અને અમારું કુટુંબ મોટું, વાર – તહેવારે કે ઘરમાં કોઈ પ્રસંગ હોય ત્યારે પણ હું ગાતી, એના કારણે ઘરમાં ખબર કે મારું ગાયન સારું છે, પછીથી કડી હું શાસ્ત્રીય ગાયનની તાલીમ માટે ગઈ ત્યારે હું અગિયારમાં ધોરણમાં ભણતી હતી, ત્યાં ભરતભાઈ વૈદ્ય, મારા સર મને એમની સાથે ગાવા લઇ જતા, એમ શીખતી ગઈ, ખાસ તો મને મારા કુટુંબનો ખૂબ સપોર્ટ છે.
જલસો : અત્યાર સુધી લગભગ તમે ચાર હજાર જેટલા શો કર્યા, ૨૦૦ જેટલા આલ્બમ્સ કર્યા, આ દરમિયાન તમને કેવા અનુભવો રહ્યા?
અભિતા : અનુભવમાં મને ખાસ એ કહેવું છે કે અમારા સ્કૂલના પ્રિન્સિપાલ ફુલજીભાઈ પટેલ એ પણ સંગીતના રસિક હતા કે દિવસે સ્કૂલમાં હોય અને રાતે અમને સંગીતના શો માં લઇ જાય, એટલું જ નહિ પણ મને યાદ છે કે એમણે મને પહેલીવાર સ્ટેજ – શો જે કડીમાં થયો હતો એ પહેલ્લા જ સ્ટેજ શો ના મને ૭૦૦ રૂપિયા અપાવ્યા હતા, અને પછી શો ની શરૂઆત થઈ ગઈ...
જલસો : લોકો ક્યારથી ઓળખતા થયા?
અભિતા : Etv ગુજરાતી નો એક શો હતો, લોક ગાયક ગુજરાત, એની પહેલી સીઝનમાં આવી ત્યાર પછીથી લોકો ઓળખતા થયા, કે અભિતા પટેલ કરીને કોઈ છે જે લોકગીતો ગાય છે એમ.
જલસો : તમે શાસ્ત્રીય અને સુગમસંગીત બંને ક્ષેત્રે કામ કર્યું છે, તમે કયા કલાકારો સાથે કામ કર્યું ?
અભિતા : મેં નયનેશ જાની સાથે એમના આલ્બમમાં પણ ગાયું છે, એમની પાસેથી હું સુગમ સંગીત ખૂબ શીખી છું, મેં શ્યામલ – સૌમિલ ભાઈ સાથે હિમાલી વ્યાસ સાથે પણ ગાયું છે.
જલસો : સંગીતના શો – ફેમેલી લાઈફ, લગ્ન પછી પણ આ બધું કઈ રીતે મેનેજ કરો છો?
અભિતા : મેનેજ થઈ જાય છે, મને પરણ્યા પછી પણ મારા પતિ અને કુટુંબનો મને ખૂબ સપોર્ટ છે, મારે મારી દીકરી ૩ વર્ષની છે એને ઘરે મૂકીને પણ કાર્યક્રમમાં જવું પડ્યું હોય એમ પણ બન્યું છે.
જલસો : તમારી સંગીતની વ્યાખ્યા
અભિતા : સંગીતથી મારા આત્માને – મનને શાંતિ મળે છે, મારે માટે એ મોટામાં મોટું સુખ છે. સંગીતે મને સફળતા અપાવી છે, સફળતા મળ્યા પછી એને ટકાવી રાખવી એ મારા માટે ખૂબ અગત્યનું છે.
જલસો : તમારા ગમતા – જે તમને સાંભળવા ગમે છે એવા ગાયકો કયા ?
અભિતા : લતા મંગેશકર, ગુજરાતી ગાયકોમાં તો લગભગ બધા જ, ગાયકો ગમે, દરેકની પોતની આગવી શૈલી છે.